રે પ્રભુ, તારી ગૂંચવણની ગૂંથણીમાં, એવો તો ગૂંચવાઈ ગયો છું
જીવનનું તો મુક્ત હાસ્ય, ભૂલી એમાં હું તો ગયો છું
એક હજી ઊકલે ત્યાં તો બીજીમાં ગૂંચવાતો રહ્યો છું - જીવનનું...
આશા ને આશાના તાંતણામાં તો જીવન જીવી રહ્યો છું
નિરાશાની ખાઈમાં, હું તો ધસતો ને ધસતો રહ્યો છું - જીવનનું ...
સાચું ભી લાગ્યું તો સાચું, ખોટું ભી લાગ્યું તો સાચું
તફાવત બંનેનો, એમાં હું તો ચૂકી રે ગયો છું - જીવનનું...
ચિંતાઓ ને ચિંતાઓમાં એવો તો ઘેરાઈ ગયો છું
છૂટી નથી એ છૂટતી, છોડવા હું તો ચાહું છું - જીવનનું...
થાઉં થોડો ગૂંચવણથી મુક્ત, પામું રાહત તો હું
અહંમાં ને અહંમાં, ડૂબતો ત્યાં તો હું તો જાઉં છું - જીવનનું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)