એક શંકા દૂર કરવા જતાં, જોજે બીજી શંકા ના જાગી જાય
થાય ના હાલત જોજે તારી રે એવી, બકરું કાઢતાં ઊંટ પેસી જાય
મેળવવા તો રાહત જતાં, જોજે જીવનમાં ના તું હાંફી જાય - થાય...
ગજા ઉપરાંતની દોડાદોડમાં, જોજે તારી શક્તિમાં શંકા ના જાગી જાય - થાય...
દંભના ડહોળમાં જાતો ના ડૂબી, જોજે સદા આશરો એનો ના લેવાય - થાય...
સોનું સમજીને જોજે જીવનમાં, તો પિત્તળ ના ખરીદાય - થાય...
મેળવવા જતાં સાથ જીવનમાં, જોજે ના દુશ્મન એ તો બની જાય - થાય...
કડવી શિખામણ દેવા જતાં, જોજે દુશ્મનો ઊભા ના થાતા જાય - થાય...
લત અન્યની છોડાવવા જતાં, જોજે લત ગળે ના વળગી જાય - થાય...
ભલા થવામાં ને થવામાં, જોજે જગ તને મૂરખ ના બનાવી જાય - થાય...
ડૂબતાને બચાવવા જતાં, જોજે ખુદ એમાં ના ડૂબી જાય - થાય...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)