દેખાય છે તને તો તું જે, તે તું નથી, તું તુજમાં તુજને શોધી લે
શાશ્વતે બાંધી છે નાશવંતમાં પ્રીતિ, બરાબર આ તો તું સમજી લે - તું...
ચડી છે ખૂબ ધૂળ તો હીરા ઉપર, કરી સાફ એને તું ચમકાવી લે - તું...
આ વાસ નથી કાયમનો આ તો, આ વાસ કાયમ તારો તું શોધી લે - તું...
લાવ્યો ના સાથે, ના લઈ જશે કંઈ સાથે, કર્યું ખોટું જે ભેગું એ છોડી દે - તું ...
નથી તું કોઈનો, નથી કોઈ તારો, બરાબર મનમાં આ તું સમજી લે - તું...
જ્ઞાનનાં થોથાં અહીંનાં અહીં તો રહેશે, જ્ઞાન સાચું જગમાં તું સમજી લે - તું...
ના શોક કરવા જેવું છે કંઈ જગમાં, શોક હૈયેથી બધો તું છોડી દે - તું...
દુઃખદર્દ બધાં જાજે તું ભૂલી, ખુદની યાદ દિલમાં તું કરી લે - તું...
વ્યાપ્યો છે પ્રભુ જગમાં અણુ-અણુમાં, પ્રાપ્ત એને તો તું કરી લે - તું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)