આજે માનવતાને તો મેં રડતી દીઠી (2)
ભૂખ્યાની ભૂખની ચીસમાં તો, માનવતાને તો આજ મેં રડતી દીઠી
સહાય વિનાના અપંગ અસહાયોમાં, માનવતાને તો આજ મેં રડતી દીઠી
અકારણ રિબાતા માનવના દર્દમાં, માનવતાને તો આજ મેં રડતી દીઠી
ડૂબતાને તો ડૂબવા દઈ, ઉડાવતા એની મશ્કરીમાં, માનવતાને તો આજ મેં રડતી દીઠી
માનવને માનવનો કસ ચૂસતા દીઠો, માનવતાને તો આજ મેં રડતી દીઠી
સબળ સામે ઝૂઝતા નિર્બળનાં આંસુમાં, માનવતાને તો આજ મેં રડતી દીઠી
કંઈક કરુણાભરી ચીસ હૈયું વીંધતી દીઠી, માનવતાને તો આજ મેં રડતી દીઠી
પરદુઃખે તો હૈયાં જ્યાં સંકોચાતાં દીઠાં, માનવતાને તો આજ મેં રડતી દીઠી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)