તને કોણે કહ્યું, કે તેં માની લીધું, કે તારામાં કોઈ શક્તિ નથી
થયું કે ના થયું જગમાં તારું ધાર્યું, જીવનમાં માપદંડ એ એનો નથી
છે ગુણો ને અવગુણો તુજમાં તો ભર્યા, એના વિના તો તું રહ્યો નથી
ગણ્યા અવતારી કે અરિહંતો, એક દિવસમાં કાંઈ એ તો બન્યા નથી
છે વિકાસ એ તો જીવનનો નિયમ, વિકાસ તારો કેમ તેં કર્યો નથી
કરી ઇચ્છાઓ ઊભી, ના નિયંત્રણમાં રાખી, થાક્યા વિના તું રહ્યો નથી
છે જે તારી પાસે, ગોતી એને બીજે, મળશે એ શું તને, તેં એ વિચાર્યું નથી
જગમાં કાયમ તું રહેવાનો નથી, કરી ભેગું-ભેગું, તારું કાંઈ વળવાનું નથી
કરી ઇચ્છાઓ ઊભી, બારી દુઃખની ખોલી, એક દિન આ સમજાયા વિના રહેવાનું નથી
મળશે નિરાશાઓ તો જગમાં, શક્તિ હર્યા વિના, બીજું એ કાંઈ કરવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)