તારું કરતાં પૂજન ને ધરતાં ધ્યાન, કોઈ માયામાં ડૂબી ગયું, કોઈ તન્મય થઈ ગયું
હૈયે અહંને ના હટાવીને બેઠા રે માડી, રસ્તા એ તો ચૂકી ગયું
સંસાર તાપે તપી, આવ્યા તારા શરણમાં, શીતળતા એ તો પામી ગયું
આશાઓ ને ઇચ્છાઓ ત્યાગી આવ્યા જ્યાં, ઘણુંબધું એ પામી ગયું
ખાલી ના થઈ શક્યા તારી પાસે જ્યાં, ભ્રમિત એ તો રહી ગયું
તારા પ્રેમમાં ઓગળી ગયું જે જ્યાં, પ્રેમામૃત તારું એ પામી ગયું
તારામાં ચિત્તડું તન્મય થઈ ગયું, ભાન જગનું એ તો ભૂલી ગયું
એકરૂપ તુજમાં જ્યાં જે થઈ ગયું, હૈયાનાં દ્વાર એ તો ખોલી ગયું
જ્યાં વિશુદ્ધ હૈયું એનું થઈ ગયું, વાણીમાં વેદનું રહસ્ય વસી ગયું
જ્યાં તન્મયતાની અવધિ પામી ગયું, તારામાં ને એનામાં અંતર ના રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)