કાજળને સફેદ કરતાં, જન્મારો વીતી જાય, તોય કાજળ સફેદ નવ થાય
કાગડાને સફેદ કરતાં, પાણી ખૂટી જાય, તોય કાગડો સફેદ નવ થાય
પતનની ઊંડી ખીણમાં ડૂબેલાને, ઉપર ઊઠતાં, નવ નેજે પાણી આવી જાય
પૂર નદીનાં તો રોક્યાં ના રોકાય, રોકવા જાતાં, એને ભી ઘસડી જાય
મુશળધાર વરસતા વરસાદમાં, બધું તો ધોવાઈ જાય
આ કળિયુગમાં તો, સત્ય પર ચાલતાં, નવ નેજે પાણી આવી જાય
ગુણો ગ્રહણ કરતાં તો વાર લાગે, અવગુણ જલદી ગ્રહણ થાય
શૂન્યમાંથી સર્જતાં સમય લાગે, તોડતાં તો ના લાગે વાર
લપસણી ધરતી પર તો સ્થિર રહેવા, નવ નેજે પાણી આવી જાય
સમય સદા ફરતો રહે, ના કોઈથી એ રોકાયો રોકાય
ભરતી-ઓટ સાગરમાં થાતા રહે, ના કોઈથી એ રોકાય
મનને તો સ્થિર કરતાં રે જગમાં, નવ નેજે પાણી આવી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)