આંખડી રે મારી, જ્યાં માયામાં ઘેરાણી
સૃષ્ટિ જાગી ત્યાં બીજી, નિજ સૃષ્ટિ ત્યાં વીસરાણી
રમ્યો એ સૃષ્ટિમાં એવો, સાચી એ તો દેખાણી
સમય રહ્યો ખૂબ વીતતો, નીંદર ના ત્યાં જાણી
કદી સુખે રહ્યો હસતો, કદી દુઃખે આંખો ભીંજાણી
સ્વપ્ન સમ એ સૃષ્ટિ, સાચી ને સાચી વરતાણી
કદી મળી ઝાંખી બીજી, આ સૃષ્ટિમાં એ ભુલાણી
સાચી ઝાંખી ના લાગી સાચી, માયામાં એ ઘસડાણી
જ્યાં નીંદ મારી ખૂલી, સૃષ્ટિ માયાની સંકેલાણી
આત્માની સૃષ્ટિમાં, ત્યાં સર્વ સૃષ્ટિ રે સમાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)