જાણું છું, આપું છું તકલીફ તને આજે, નથી ઉપાય બીજો મારી પાસે
આ બાળ કાજે રે માડી, આજે તું ઊભી થા, ઊભી થા, ઊભી થા
ઘેરાયો છું આફતોથી ચારે દિશાએથી, નથી સૂઝતો મારગ એમાંથી - આ બાળ...
સહી તકલીફો ઘણી આ જીવનમાં, થાતી નથી સહન હવે તો જરાય - આ બાળ...
રહી મૌન સહેવું હતું તો મારે, ગયું છે તૂટી મૌન તો આજે - આ બાળ...
કરતો નથી ફરિયાદ તને તો આજે, રજૂ કરું છું હકીકત મારી તારી પાસે - આ બાળ...
જોઈ રાહ તારી, માડી રે સદાય, ના જોવરાવ રાહ તો આજે - આ બાળ...
થયું હશે ભલે બધું મારાં કર્મોથી, ભાંગ્યું હશે ભલે રે મારી ભૂલોથી - આ બાળ...
રહેતું નથી મનડું મારું ઠેકાણે, રહી છે નાચી તકલીફો આવી-આવી - આ બાળ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)