થાતું રહે છે જીવનમાં એવું, સમજાય ના એ જલદી, કેમ કરીને એને સમજવું
કરવું પડે જીવનમાં એવું, હોય જો એ ગજા બહારનું, કેમ કરી એને પહોંચવું
ઇચ્છાઓના ઢગ રહે વધતા જીવનમાં, કેમ કરીને મુક્ત જીવનમાં એનાથી રહેવું
બને બનાવો જીવનમાં એવા, લાગણીને બનાવી જાય બેકાબૂ, કેમ કરીને એને રોકવું
તણાઈ તણાઈ જાઉં ભાવોના એવા પ્રવાહોમાં, કેમ કરીને એમાં તો તરવું
બેકાબૂ બનેલા મારા મનને, કાબૂમાં લાવતા બેકાબૂ બની જાઉં, કેમ કરી કાબૂ એના પર મેળવું
કરું શરૂઆત આવવા સાચા પથ પર, અન્ય પથ પર પગ પડી જાય, કેમ કરી પાછા વળવું
ક્યારે જાણીને, ક્યારે અજાણતા, ભૂલોને ભૂલો થાતી જાય, કેમ કરીને એમાં સુધરવું
કરું લાખ કોશિશો, તોયે ના સંભાળી શકું, માર ખાતોને ખાતો જાઉં, કેમ કરી એ અટકાવું
યાદ કરું પ્રભુ તને હું થાકીને, પાછું યાદ બીજું આવી જાય, કેમ કરીને એ ભૂલવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)