તારો ભક્ત, કે સેવક, કે બાળક, માડી હું તો ના બની શક્યો
તોય જ્યારે જરૂર પડી રે માડી, ખોળામાં મને તેં લઈ લીધો
અકળાયો, મૂંઝાયો, અથડાયો જ્યાં ખૂબ સંસારે
ડગી ગયો જ્યાં હું તો સંસારે, હાથ મારો તો તેં ઝાલી લીધો
કાપતાં અંતર ખૂટ્યું ના જ્યારે, થાકી ત્યાં હું તો ગયો
છે તું તો સાથે ને સાથે, અનુભવ એનો તો દઈ દીધો
મન મોટું કે બુદ્ધિ મોટી, કે શું મોટું, નિર્ણય ના લઈ શક્યો
આત્મામાં દઈને એને સમાવી, ઉત્તર એનો તેં તો દઈ દીધો
લાગી છે વાર તો આવતાં પાસે તારી, રસ્તો તારો ના મળ્યો
ઉત્સાહિત સદા કરીને મને, મારગ મારો તો તેં ચીંધ્યો
વિચારો મારા છે ખૂટ્યા, ભાવનો દરિયો તો તેં દઈ દીધો
ભાવે-ભાવે આવે તું પાસે, વિખૂટો હવે મને ના કરજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)