દીકરી ને ગાય, એ તો દોરે ત્યાં તો જાય
પણ મનડું મારું એ તો, જ્યાં-ત્યાં ચરવા ચાલ્યું જાય
બાંધી ખૂંટી, નીરો જ્યાં ઘાસ, બેઠી-બેઠી ત્યાં એ તો ખાય
બાંધવા જાઉં જ્યાં મનડાને ખૂંટીએ, ના એ તો ત્યાં બંધાય
પંપાળો પ્રેમથી ગાયને, વહાલ સામું એ તો દેતી જાય
પંપાળો પ્રેમથી જ્યાં મનડાને, શિંગડાં મારતું એ તો જાય
કરો સેવા ગાયની સાચી, દૂધડાએ એ તો નવરાવતી જાય
કરવા જાઓ સેવા મનડાની, ક્યાં ને ક્યાં એ તો ઘસડી જાય
રહેશે ગાય જો હાથમાં, વાછરડાં એ તો દેતી જાય
પણ રહેશે મનડું જો હાથમાં, દ્વાર મુક્તિનાં એ ખોલતું જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)