કીધા યત્નો સમજવા હૈયું અન્યનું, કદી-કદી એ સમજાય છે
યત્નો તો ખૂબ રે કીધા સમજવા હૈયું મારું, ના એ સમજાય છે
મથ્યો ખૂબ સમજવા હૈયું પ્રભુનું, સમજ તો દૂર ભાગી જાય છે
ગયો પકડવા દોર તો ભાવનો, ના હાથમાં તો એ આવી જાય છે
આવી ગયો દોર જ્યાં હાથમાં અન્ય ભાવનો, ના એ સમજાય છે
તણાવા ગયો પ્રેમના પૂરમાં, પ્રવાહ બદલાતો તો જાય છે
થઈ ગઈ ઊભી દ્વિધા પ્રેમમાં ત્યાં, ના એ તો સમજાય છે
પ્રવાહ જ્ઞાનના રહ્યા બહુ અટપટા, ના મને તો એ સમજાય છે
મૂંઝાતો-મૂંઝાતો રહ્યો ઊભો તટ પર, કરવું શું ના એ સમજાય છે
જોયો વહેતો જ્યાં પ્રવાહ પ્રભુચરણમાં, અંત મૂંઝવણનો આવી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)