|
View Original |
|
તારા પુનિત પ્યારમાં જ્યાં નહાવા મળે રે માડી
મારે ગંગાની શી જરૂર છે
તારા વહાલભર્યા હૈયામાં જ્યાં સ્થાન મળે રે માડી
મારે સ્વર્ગની શી જરૂર છે
તારા હૈયાની વિશાળતા મારા હૈયામાં આવી વસે રે માડી
મારે સાગરની વિશાળતાની શી જરૂર છે
મારા નિશ્ચય ને સંકલ્પોમાં, અડગતા જ્યાં ભળે રે માડી
મારે હિમાલયની અડગતાની શી જરૂર છે
મારા હૈયે તારા દિવ્યજ્ઞાનનું કિરણ જો મળે રે માડી
મારે સૂર્યપ્રકાશની શી જરૂર છે
તારી દૃષ્ટિમાં મારી દૃષ્ટિ તો જ્યાં ભળે રે માડી
બીજી ધન્ય ઘડીની શી જરૂર છે
તારા ભક્તિરસનું ઝરણું મારા હૈયે જો નિત્ય વહે રે માડી
મારે બીજા અમૃતની શી જરૂર છે
તારી નિર્મળતા હૈયામાં આવી જો વસે રે માડી
ચાંદનીની નિર્મળતાની શી જરૂર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)