છે ઋણ જ્યાં તારાં માતપિતાનું, છે ઋણ જગતપિતાનું ભી માથે રે
ના કાંઈ એ કહેશે, ના કાંઈ એ બોલશે, ઋણ એનું, ઊભું ને ઊભું તો રહેશે રે
મોકલ્યો જગમાં, તારા ને એના સંબંધ સમજવા, માયામાં ગયો તું એ ભૂલી રે
યાદ અપાવી અનેક વેળા તને, લક્ષ્યમાં ના લીધી માયામાં તેં પડીને રે
માનવ તન દીધું તને, ભરી-ભરી દીધા તને એમાં શ્વાસોશ્વાસ રે
મન ભી દીધું ને બુદ્ધિ ભી દીધી, તને એને તો જાણવા રે
કીધો ઉપયોગ તેં કમાણી કરવા, સાચી કમાણી ગયો તું ભૂલી રે
ભાવો ને વળી શ્રદ્ધા દીધી, કર્યો ના ઉપયોગ, શંકાઓ કરી-કરીને રે
રહ્યો છે સમય હાથમાં થોડો, લેજે હવે એને તું સુધારી રે
ઋણ સદા તું એનું રે કરજે, એને સાચા સમજીને ને જાણીને રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)