જોઈ નથી શકતો જ્યાં દોષ તું તારો, અન્યનો દોષ જરૂર તું કાઢવાનો
કરી નથી શકતો જ્યાં સામનો એકલો, મળતાં ન સાથ જરૂર તું ભાગવાનો
સમજી નથી શક્યો જ્યાં ખુદને, અન્યને ક્યાંથી તો તું સમજવાનો
હટ્યા નથી જ્યાં ભેદ હૈયાના તારા, અન્યના ભેદ ક્યાંથી તું હટાવવાનો
હટી જો હિંમત કર્મમાં તારા, જીવનજંગ તો જરૂર તું હારવાનો
ખૂંપ્યા જ્યાં કાંટા હૈયે વેર ને શંકાના તારા, ઝખમ હૈયે એનો પડવાનો
હટ્યા નથી ભેદભરમ હૈયાના, ભેદભરમમાં તો તું ભટકવાનો
રહ્યો છે જગને છેતરતો જ્યાં સદા, એક દિવસ તો તું છેતરાવાનો
નથી દઈ શક્યો જ્યાં સાથ કોઈને તું, સદા તું એકલો રહેવાનો
બનાવીશ જ્યાં પ્રભુને તો તું તારા, તું ત્યારે પ્રભુનો તો બનવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)