અરે ઓ પૈસાને પૂજનારા, અરે ઓ માયામાં રાચનારા
સમજી લેજે તું તો જરા, પડશે કરવાં સહન એનાં તો નખરાં
રાત-દિવસ રાખશે ગૂંથી તને, ધરશે એ તો ચિંતાના ભારા
પાડશે એ તો, વહાલામાં ફાટફૂટ, બાળશે એ તો હૈયાં તારાં
કદી વધશે, કદી ઘટશે, વધારશે-ઘટાડશે તારા એ ધબકારા
હરી લેશે સુખની નીંદર તારી, મળશે તને રાત-દિનના ઉજાગરા
વિશ્વાસના પાયા હલાવી જાશે, બની જાશે શાંતિના હણનારા
આંખમાં ખોટી ચમક ભરી જાશે, દેશે એ તો તેજતણાં અંધારાં
પાપ-પુણ્યના ભેદ હડસેલાવી દેશે, જોશે એમાં એ પુણ્યની ધારા
પૈસો બનશે એનો પરમેશ્વર, તોલશે એ પ્રભુને ભી એના દ્વારા
એના વિના દેશે લાચાર બનાવી, સંભળાશે એમાં એવા ભણકારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)