પ્રભુ ભાવમાં તો જ્યાં બેઠો, ચિંતા ભાવને જો ઘસડી જાય
ભાવ હૈયાના ત્યાં નથી રે પૂરા, ચિંતા ભાવને જો તાણી જાય
પ્રભુ ધ્યાનમાં જો લીન થાતાં, દર્દ ઉપસ્થિતિ એની કહી જાય
લીનતાની કડી કંઈક તો છે ખૂટી, કરી પૂરી, લીન ત્યારે બની જવાય
પ્રભુ નામસ્મરણમાં, મનના મણકા માયાને રટતું જો જાય
રૂપ માયાનું ત્યાં જાશે છવાઈ, રહેશે પ્રભુ ત્યાં તો સંતાઈ
પ્રભુ જ્ઞાનમાં જાગે જો શંકા, જ્ઞાન નથી એ સાચું, જો પ્રભુને ના સમજાવી જાય
રહેશો ના ભરમમાં, એવા રે જ્ઞાનમાં, તર્ક-વિતર્ક જે જગાવી જાય
પ્રભુ ભક્તિમાં જાગે વૃત્તિ જો સોદાની, રહેશે ભક્તિમાં ત્યાં કચાશ
ભાવ એના, બીજું કાંઈ ના જાણે, ભાવે-ભાવે પ્રભુને ભીંજવતો જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)