રે માડી, તારાં કેટલાં છે રે નામ, રહેતાં નથી લક્ષ્યમાં એ તો તમામ
પધરાવવું છે રે હૈયે મારે તારું એક જ નામ, બીજા નામનું મારે છે શું કામ
રહે ના ચિત્ત સ્થિર જ્યાં એક નામમાં, વળશે શું લઈને બીજાં નામ
છે શક્તિ તારી, સહુ નામમાં સરખી, નથી કાંઈ જુદી એ તો તમામ
આવે ના, ભરાય ના ભાવ એક નામમાં, આવશે ક્યાંથી રે તમામમાં
પૂરી ના શકાયે જો પ્રાણ એક નામમાં, ના પૂરી શકશું તમામમાં
કરી શકે જ્યાં એક નામ બધું કામ, બધાં નામનું ત્યાં છે શું કામ
નામેનામની છે નોખનોખી સીડી, પહોંચાડે રે માડી તારી પાસે તમામ
જુદા-જુદા ભક્તોએ લીધાં જુદાં-જુદાં નામ, પહોંચ્યા તારી પાસે એ તમામ
કોઈએ લીધું મહાવીર, કોઈએ બુદ્ધ, કોઈએ રામ તો, કોઈએ શ્યામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)