ખાલી કરતો જા, તું કરતો જા, ડહોળાયેલું પાણી તું ખાલી કરતો જા
કાદવ-કીચડ છે ઊંડે-ઊંડે, ધીરે-ધીરે એને તું ઉલેચતો જા
છે મીઠી સરવાણી તો ઊંડે-ઊંડે, ત્યાં સુધી તું પહોંચતો જા
ભેખડ-માટી આવશે ધસી, પાળ પાકી એની તું બાંધતો જા
મીઠું જળ પણ જાશે ડહોળાઈ, સાફ એને તો તું કરતો જા
માગશે શક્તિ તારી એ તો પૂરી, શક્તિનો સંચય તો તું કરતો જા
છે ઊંડે કેટલે સરવાણી, સાચો અંદાજ એનો તો તું કાઢતો જા
અધવચ્ચે ના તું અટકી જાતો, આળસ તો સદા તું ખંખેરતો જા
પીવું છે જળ જ્યાં શુદ્ધ તો તારે, સરવાણી સુધી તું ખોદતો જા
જોઈતી સામગ્રી તું લેજે સાથે, અધવચ્ચે તું એ છોડતો જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)