બુદ્ધિના સીમાડા જાશે અટકી, પહોંચશે જ્યાં ભાવનાં બિંદુ
જાશે ખોલી એ પ્રેમનાં દ્વાર
યત્નોના સીમાડા પડશે ટૂંકા, રહે હિંમતથી હૈયાં ભર્યાં-ભર્યાં
જાશે ખૂલી ત્યાં ભાગ્યનાં દ્વાર
લક્ષ્ય હોય જ્યાં નક્કી, હોય ના જો યત્નોમાં ખામી
જાશે ખોલી એ તો જીતનાં દ્વાર
હોય ના હૈયે શંકાને સ્થાન, રહે શીખવામાં સ્થિર તો ધ્યાન
જાશે ખોલી એ તો જ્ઞાનનાં દ્વાર
સમજણમાં હોય જો ના કચાશ, ધીરજનો હોય હૈયે નિવાસ
જાશે ખોલી એ તો યોગનાં દ્વાર
રહે હૈયે ભરી જ્યાં કરુણા, વાણી ને વર્તનમાં રહે ભાવ
જાશે ખોલી એ તો મૈત્રીનાં રે દ્વાર
લાગે જ્યાં સહુ તો પોતાના, સહન ન થાયે અન્યના દુઃખના ભાર
જાશે ખોલી એ તો સેવાનાં દ્વાર
નજરમાં ના રહે જ્યાં વિકાર, જાગે પ્રભુમાં શ્રદ્ધા અપાર
જાશે ખોલી એ તો મુક્તિનાં દ્વાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)