ભૂલોના વનમાં રે, અટવાઈ ગયો, હું તો જીવનમાં
નીકળું બહાર એક ભૂલમાંથી રે, અટવાઉં હું બીજી ભૂલોમાં
જાણું ના રસ્તા બહાર નીકળવાના, અટવાઉં વધુ ને વધુ એમાં
ભૂલો વિનાનો મળે ના માનવી, નથી વળગાડવી ભૂલોને હૈયામાં
અટકી ના ભૂલો જીવનમાં, અટવાતો રહ્યો, એમાં જીવનમાં
ગણું ના ગણું ભૂલોને અંગ જીવનનું, બની ગયું એ અંગ જીવનમાં
જીવનભર રહેવું પડયું ફરતું જીવનમાં, ભૂલોની ભુલવણીમાં
ભૂલોની ભાતોથી વણાયું જીવન, ભૂલોએ પાડી ભાતો જીવનમાં
ભૂલો ને ભૂલોએ જગમાં, અટકાવ્યું ઘણું ઘણું તો જીવનમાં
ભૂલો વિનાનું તો જીવન જગમાં, રહી ગયું એ તો કલ્પનામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)