લઈ લઈ દિલ ફર્યો તું જગમાં, તારા દિલને તોય તેં જાણ્યું નહીં
કઈ વાતમાં છે નારાજી, કઈ વાતમાં થાશે રાજી, લક્ષ્યમાં તે લીધું નહીં
કાબૂ વિનાનું છે દિલ તારું, એવા જીવનમાં કાંઈ મજા આવશે નહીં
સંકોચાઈ જાશે જીવનમાં જો દિલ તારું, એ જીવનમાં મજા આવશે નહીં
જે દિલ અન્યના દિલનું દર્દ જાણે નહીં, એ દિલ, દિલ કહેવાશે નહીં
બનતા ને બનતા જાશે બનાવો, હરેકમાં તો એ કાંઈ રાજી રહેશે નહીં
પાડી હશે આદત જીવનને તો જેવી, એવું કર્યાં વિના તો એ રહેશે નહીં
ખોટા બોજા લઈ લઈ ફરશો જો જગમાં, એમાં દબાયા વિના રહેશો નહીં
સંજોગોનો કરીશ સમજીને સામનો, સામનો ખીલ્યા વિના રહેશે નહીં
રાખીશ એને જો તું હાથમાં તારા, સ્વાર્થ એ સર્જ્યા વિના રહેશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)