ભક્તિ કેરી વાટ છે આકરી, લીધી છે જાણીને માત
આવી પડે જે દુઃખ સહન કરીશું, લીધો આ નિર્ધાર
શું કરવું, શું ના કરવું, તે હું નવ જાણું માત
પ્રસંગ હજી પડ્યો નથી, નથી થયો તારો મેળાપ
પ્રહલાદને તેં ઉગારિયો, ધરી નૃસિંહ રૂપ વિખ્યાત
સુધન્વાને તેં તાર્યો, ધરી વિષ્ણુ રૂપ સાક્ષાત્
વાલિયા ભીલને તેં તાર્યો, જપ્યું ઉલટું તારું નામ
કંઈક ભક્તોને તેં તાર્યા, બની ધનુર્ધારી રામ
ભક્ત નરસૈંયાની હૂંડી સ્વીકારી, ધરીને રૂપ શ્યામ
ભટ મેવાડાની નાત જમાડી, કીધાં તે ધોળાનાં કામ
આ સઘળું જાણતાં, હવે જાગી છે હૈયે હામ
સાચા દિલથી પોકારતાં, કરીશ મારા પણ તું કામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)