સંબંધો ચૂંથાઈ ગયા, સંબંધો બગડી ગયા, સ્વાર્થમાં હૈયાં જ્યાં ડૂબી ગયાં
ઉષ્મા સંબંધોની તો ગઈ વીસરાઈ, હૈયાં જ્યાં સ્વાર્થની બોલી બોલી ઊઠયાં
તરાડો ને તરાડો સંબંધોમાં ગઈ પડતી, વિશ્વાસના તાંતણા જ્યાં તૂટી ગયા
ગાંઠો સંબંધોની હતી તો જે બાંધી, સ્વાર્થ સાધી જીવનમાં એ તો તોડી ગયા
સંબંધે સંબંધે તો જ્યાં જગ સર્જાયું, તૂટતા સંબંધો, શૂન્ય ઊભું એ કરી ગયા
કલ્પનામાં પણ દેખાતા હતા જે હસતા, તૂટતા સંબંધો આંખો ફાડી એ જોઈ રહ્યા
મુક્ત હતા મેળ તો જ્યાં મનના, સ્વાર્થ દીવાલો તો એમાં ઊભા કરી ગયા
હતા જે દૂર કે પાસે, સ્વાર્થ એને દૂર કરી ગયા, એને તો દૂર રાખી રહ્યા
નજરમાં જે સમાતા ના હતા, હૈયામાં સ્વાર્થ ઊભરાતા, અળખામણા બની ગયા
સંબંધો બંધાતા ને બંધાતા ગયા, ના જાળવી જ્યાં એ શક્યા એ તૂટી ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)