મળશે હજારો શત્રુઓ જીવનમાં, મળશે ના શત્રુ આવો તો ન્યારો
રહી રહી જીવનમાં તો સાથે ને સાથે, ઘડીમાં હસાવે, ઘડીમાં આંસુ પડાવનારો
રચાવી જીવનમાં કંઈક સોનેરી સપનાં ઓ, અંતે અંગૂઠો દેખાડનારો
હસાવી રમાડી ખીલવે જીવનને જ્યારે, લાગે ત્યારે એ તો અતિ પ્યારો
શાંત વહેતાં જગમાં જીવનને, ના શાંતિમાં એ તો રહેવા દેનારો
રીઝે જ્યારે જ્યારે, સૂકા એવા રણમાં પણ એ તો જળ પાનારો
રાખો જતન કરીને ભલે સાથે, ગમે ત્યારે તો એ સાથ છોડનારો
રાખી ભરાસો ચાલી શકો ના એના, પળમાં તો એ પલટી મારનારો
ના એક રંગે રહે એ તો જીવનમાં, નિત્ય રંગ એના એ બદલનારો
ના ચાલે ચલણ કોઈનું એના ઉપર, ના કોઈની શેહમાં આવનારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)