છોડી દેજે જગમાં બધું મારું મારું, રચવા જીવનમાં સ્વર્ગ તારું
છે અન્યના સ્વર્ગનું કામ તારે, રચજે જીવનમાં તું, સ્વર્ગ તારું
પ્રેમના પહેરેગીરોથી ને વિશ્વાસની વાડથી રક્ષજે તું, સ્વર્ગ તારું
વસજે એમાં તું, વસાવજે તારા પ્રભુને, રહેજે જાગૃત જાય ના છોડી પ્રભુ, સ્વર્ગ તારું
કૂડકપટને દેતો ના પ્રવેશવા એમાં, જાશે કરી છિન્નભિન્ન એ સ્વર્ગ તારું
ના હશે વેરી એમાં, દેજે ના સ્થાન વેરને એમાં, જાશે ઉખેડી એ સ્વર્ગ તારું
હશે એ સુંદર, હશે રચેલું એ તારું, જોજે તોડે ના કોઈ એ સ્વર્ગ તારું
હોય ભલે એ સુંદર કલ્પના, બનાવજે વાસ્તવિકતા, રચીને સ્વર્ગ તારું
વસાવજે નિત્ય એમાં તારા પ્રભુને, ખીલી ઊઠશે એમાં તો સ્વર્ગ તારું
આશા રાખે છે શાને તું બીજા સ્વર્ગની, તને મુબારક તો સ્વર્ગ તારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)