હશે જીવનના તો જેવા રંગ, ઊઠશે હૈયામાં તો એવા તરંગ
કાં એ દઈ જાશે, કાં એ હરી જાશે, હૈયાના તો ઉમંગ
મન તો છે સહુનું ઊડતું ને નાચતું, જાણે એક પતંગ
જાળવો જીવનભર તો એને, રહેશે કરતું તોય એ તંગ
દેખાશે તો જીવન જગમાં સહુનું, હશે ચડયો જેવો રંગ
છે હાથમાં તો સહુના બનાવવું જીવનને, પાણીદાર નંગ
રાખજે વાણી સરળ, નાખજે કાઢી બધા એમાંથી વ્યંગ
ઊતરશો મનમાં જ્યાં ઊંડા, થઈ જાશો એમાં તો દંગ
ઉમંગમાં વિતાવશો જીવન, બનાવી ઉમંગને જીવનનું અંગ
ચડશે જીવનમાં એનો રંગ, કર્યો હશે જીવનમાં જેવો સંગ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)