છે જીવનની તો આ કેવી વિચિત્રતા, કરવા ચાહો યાદ જેને, ના યાદ એની આવે છે
આવે ના યાદ જલદી તો પ્રભુની, ઉપાધિની યાદ તો, જીવનમાં જલદી આવે છે
ભૂલવા બેસો યાદ ઉપાધિની તો પ્રભુ ધ્યાનમાં, યાદ એની ત્યાં દોડી આવે છે
જીવનમાં ચાહો છોડવા યાદ તો વેરની, યાદ એની ત્યાં તો ધસી આવે છે
ચાહો છોડવા યાદો માયાની તો જીવનમાં, યાદો એની જીવનમાં ગૂંથાતી જાયે છે
પ્રસંગો કડવા, રહે યાદ જીવનમાં તો જલદી, પ્રસંગો મીઠાં જલદી વીસરાયે છે
રહેતા નથી ઉપકાર યાદ તો જલદી, યાદ, ફરિયાદની તો જલદી આવે છે
કરવાનું છે શું તો જીવનમાં, ના જલદી એ યાદ આવે, જોઈએ છે શું, યાદ જલદી આવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)