મારું ને મારું જ્યાં હું છોડતો રહ્યો રે પ્રભુ, તારો ને તારો હું તો બનતો ગયો
ચિંતાની ધારા તો ના અડકી શકી રે પ્રભુ, જ્યાં તારો ને તારો હું તો બનતો ગયો
આફતોના વંટોળામાં સ્થિર હું રહી શક્યો, જ્યાં તારો ને તારો હું તો બનતો ગયો
સુખદુઃખના હિલોળે ના બહેકી ગયો, જ્યાં તારો ને તારો હું તો બનતો ગયો
અદ્દભુત શક્તિનો અનુભવ મળતો ગયો, જ્યાં તારો ને તારો હું તો બનતો ગયો
વિશાળતાના બારણા ગયા ખૂલી, સહુને અપનાવતો ગયો, જ્યાં તારો ને તારો હું તો બનતો ગયો
અણુએ અણુમાં, આનંદનો સાગર લહેરાતો ગયો, જ્યાં તારો ને તારો હું તો બનતો ગયો
દૃષ્ટિએ-દૃષ્ટિએ, તારા રૂપને જગમાં નીરખતો ગયો, જ્યાં તારો ને તારો હું તો બનતો ગયો
ઇચ્છાઓ ને વાસનાના પડદા જીવનમાંથી હટતા ગયા, જ્યાં તારો ને તારો હું તો બનતો ગયો
આતમતેજમાં લીન ને લીન હું તો બનતો ગયો, જ્યાં તારો ને તારો હું બનતો ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)