નામ લેતો પ્રભુનું, ઉચ્ચારીને પોપટ જેમ વાણી
હૈયાના ભાવ ભર્યા નહીં, મહેનત ફોગટ કીધી જાણી
સૌને આવકારતો, ઉચ્ચારીને સૂકી વાણી
માનવી પણ જાણી જાતાં, શું પ્રભુથી રહેશે અજાણી?
દુઃખ આવી પડતાં, કહેતો સૌને એ બહુ ગજાવી
બીજાના દુઃખની ઉપેક્ષા કરતો, શું પ્રભુ એ નવ લે જાણી?
સુખને એકલો ભોગવતો, બીજાનો સાથ સદા ટાળી
અન્યની ઉપેક્ષા કરતો, ભોગવતો સ્વાર્થી બની ભારી
એક દિવસ આ સર્વેનો હિસાબ દેવો છે, ના જાશે વિસારી
માટે `મા' નું સ્મરણ કરજો, હૈયાના ભાવ ભરીને ભારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)