સાચી ચાવીનો ઝૂમખો જ્યાં મળી જાય, અણમોલ ખજાના ત્યાં તો ખૂલી જાય
રસ્તે પડી નથી કાંઈ એ ચાવીઓ, ગોતતા ને ગોતતા, કદી જીવન વીતી જાય
કઈ ચાવીથી ખૂલશે કયું દ્વાર, મળે એ જાણવા, ઘડી અણમોલ એ બની જાય
વીત્યો સમય ભલે ગોતતા, આવી જ્યાં હાથમાં, હાથમાં ત્યાં બધું મળી જાય
લાગી જા એને તો ગોતવા, આળસ ગોતવામાં તો ના ચલાવી લેવાય
ઋષિવરો ને સંતો તો કહી ગયા, મળી જાશે તને, પડી છે તુજમાં સદાય
ગોતી-ગોતી થાકયો બહાર તું એને, મળી ના તને બહાર એ તો ક્યાંય
છે ચાવી થોડી-થોડી સહુની તો જુદી, તાળાં સહુના જુદા પડતાં જાય
પડી હશે તારી ચાવી તો તુજમાં, ઊતરી ઊંડા તારા હૈયામાં, ગોતજે ત્યાં સદાય
મળી જાય ચાવી તારી તો ત્યાં, જાશે ખૂલી, બધા ખજાના તો ત્યાંય. –
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)