છે એક પરમશક્તિ વ્યાપ્ત તો વિશ્વમાં, બધું એ તો કરતું ને કરતું જાય
જો તને આ સમજાઈ જાય, તો જગમાં, તને બધું સમજાઈ જાય
ચલાવે વિશ્વને એ એના નિયમથી, નિયમ બહાર જે જાય, પસ્તાવાની પાળી ઊભી થાય
દેખાય ના ક્યાંય ભલે એ વિશ્વમાં, કાર્ય એના તો દૃષ્ટિમાં દેખાય
નજરમાં છે એ તો સદાયે, રાખે ના નજર બહાર, રાખે વિશ્વ પર નજર સદાય
દ્વંદ્વે-દ્વંદમાં વસ્યો છે એવો, એને સમજવામાં મતિ મૂંઝાઈ જાય
સારા ને નરસામાં રહ્યો છે એવો છુપાઈ, પાડવો એને છૂટો, મુશ્કેલ બની જાય
કાર્ય ને કાર્ય, કહેવાય ને લાગે જુદો, ના જલદી એને સમજાવી શકાય
નથી વ્યાપ્ત એ નકારમાં, છે વ્યાપ્ત એ હકારમાં, આમાં એ તો આવી જાય
દેતો ને લેતો રહે એ સદાય, હાથ ના તોય એના ક્યાંય તો દેખાય
નથી એની પાસે અંધકાર, નથી એની પાસે પ્રકાશ, સ્વયં પ્રકાશ ગણાય
નથી એના વિના કોઈ શક્તિ બીજી, બધી શક્તિઓ એમાંથી સર્જાતી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)