મળી જાય, મળી જાય, મળી જાય, જીવનમાં સદ્દવિચારોનો પારસમણિ મળી જાય
તો જીવન કંચન બની જાય
જીવનને ઘસતાં વિકારોને, સ્પર્શ એનો તો જ્યાં થઈ જાય - તો...
ઘડાતા જાશે જ્યાં ઘાટ આ કંચનમાંથી, કિંમત એ જીવનની થાતી જાય
મળી જાય, મળી જાય, મળી જાય, સદ્દગુણોનો પરબનું પાણી જીવનને મળી જાય
તો જીવનમાં ગુણોનો ફાલ ઊભો થાય
એની હરિયાળીમાં જીવન, સુંદર ને સુંદર, બનતું ને બનતું જાય
ઠારશે એ આંખને, ઠારશે એ અન્યને, કદી ના વ્યર્થ એ તો જાય - તો...
મળી જાય, મળી જાય, મળી જાય, જીવનમાં, શાંતિની સાચી સરવણી મળી જાય
તો ભાર ચિંતાના હળવાં, એમાં ને એમાં બનતાં જાય
ઊતર્યા ભાર જ્યાં ચિંતાના, હૈયે ઉલ્લાસના ધોધ વહેતાં થાય
નહાતાં ને નહાતાં એમાં, જીવન જીવ્યું, એ ધન્ય બની જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)