કૃપા તારી નિશદિન યાચું, શક્તિ ઝીલવા દેજે માત
દયા તારી વહેતી સઘળે, આશિષ ઝીલવા દેજે માત
ભૂલો કરતો હરદમ હું તો, ગાંડોઘેલો તારો બાળ
માફી મુજને આપજે માડી, દોષ ન ધરજે હૈયે માત
ક્રોધથી દૂર રાખજે મુજને, દેજે સદ્દબુદ્ધિ સદા માત
વિવેક હું વીસરું નહીં, સદ્દગુણ મુજ હૈયે ભરજે માત
કર્મો સદા કરતો રહી, તવ લક્ષ્ય ચૂકું નહીં માત
માયા તારી મૂંઝવે નહીં મુજને, સદા જોજે આ માત
રસ્તો કદી જો હું ભૂલું, તો પંથ બતાવજે મુજને માત
દૃષ્ટિ શુદ્ધ રાખજે મુજની, દર્શન સઘળે પામું તારાં માત
રટણ નામનું તારા સદા કરું, સમય ન ગુમાવીને માત
હૈયે શાંતિ સ્થાપજે મુજને, સદા આનંદમાં રહું હું માત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)