હું મુજને ના મળી શક્યો, ના હું તુજને સમજી શક્યો, હું મુજથી અજાણ્યો રહી ગયો
કીધી કોશિશો સમજવા તને, વૃત્તિઓમાં ને વૃત્તિઓમાં, હું તો તણાતો ગયો
થયો ના પરિચય મને તો મારો, હું જીવનમાં, મુજથી અજાણ્યો રહી ગયો
અન્ય દ્વારા મળે મને મારો પરિચય, સદા અધૂરો ને અધૂરો એ તો લાગતો રહ્યો
આવે પરિચયની ધારા જ્યાં પાસે, પ્રવાહ જગમાં એનો, તો બદલાઈ ગયો
દેખાતું ના હતું મને જે મુજમાં, આવ્યું બહાર જ્યાં, ત્યાં હું તો ચોંકી ગયો
દિલના ઉછાળા ચડયા જ્યાં નજરે, જીવનમાં અચરજમાં ત્યાં હું પડી ગયો
રોકી ના શક્યો હું તો મનને મારા, વિવિધ પ્રવાહમાં હું તો તણાતો ગયો
જઈ પહોંચ્યો તણાઈ એમાં હું તો, જીવનમાં ના એ હું તો સમજી શક્યો
જીવનમાં જીવનના વિવિધ અંગોથી, અલગ રહી શક્યો, હું મુજને ના સમજી શક્યો
દુઃખદર્દ મળ્યા ખૂબ જીવનમાં, અલગ ના એનાથી મુજને રાખી શક્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)