સાંભળવામાં ને સાંભળવામાં જગના અવાજો, અવાજ હૈયાના, સાંભળી શકીશ તું ક્યાંથી
રાજી કરવા ને કરવા માનવને જીવનમાં, જીવનમાં પ્રભુને રાજી કરી શકીશ તો ક્યાંથી
દુઃખમાં ને દુઃખમાં ડૂબ્યો રહીશ જો તું જગમાં, દુઃખ અન્યના દૂર કરી શકીશ તું ક્યાંથી
યત્નો વિના રાહ જોઈ રહીશ પ્રભુ કાજે જીવનમાં, દર્શન પ્રભુના ત્યાં તો થાશે ક્યાંથી
જીવનના તોફાનોમાં જો તું નમી જાશે, ટટ્ટાર ઊભો તું, જીવનમાં રહી શકીશ ક્યાંથી
છોડીશ ના જો તું દુર્ગુણો તારા જીવનમાં, સદ્દગુણોને અપનાવી શકીશ તું ક્યાંથી
રાખીશ બંધ વાસ્તવિક્તાથી નજર જો તું જીવનમાં, અપનાવી શકીશ સાચને તું ક્યાંથી
તણાતો ને તણાતો રહીશ જો તું લાગણીઓમાં, લઈ શકીશ નિર્ણય સાચા તું ક્યાંથી
જીરવી ના શકીશ ભાર તોફાનોના જો તું જીવનમાં, તૂટયા વિના થાશે બીજું તારું ક્યાંથી
લીન બની ના શકીશ જો તું પ્રભુમાં, કરી શકીશ દર્શન પ્રભુના તું ક્યાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)