રહ્યા છે સહુ જીવન તો જીવતાંને જીવતાં, એને તો શું જીવન ગણવું
ખાધું પીધુંને રહ્યા જીવનમાં ફરતાને ફરતા, એને તો શું જીવન કહેવું
રહીશું વેડફતાને વેડફતા સમય જીવનમાં, જીવન શું આમને આમ ઘડવું
લડત ઊભી છે અંતરશત્રુઓ સામે, જીવનમાં શાને બધા સાથે ઝઘડવું
લખતા રહ્યા ભવોભવની તો કથા, ક્યાં સુધી આવુંને આવું લખતા રહેવું
બન્યા નથી, બનવું છે જેવું તો જગમાં, શું જીવનમાં એવું તો નથી બનવું
બનવું છે જેવું તો જ્યારે જીવનમાં, જીવનમાં એવું ને એવું તો કરતા રહેવું
દુઃખો સર્જીને ને સર્જીને તો જીવનમાં, શાને એમાંને એમાં દુઃખી થાતા રહેવું
છોડવું નથી જીવનમાં તારે તો ખોટું, બૂમોને બૂમો શાને પાડતા તો રહેવું
સુખને જીવનમાં તો છે જો તારે આવકારવું, પડશે જીવનમાંથી દુઃખને ત્યજવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)