કોણ કોનું છે, કોણ કોનું છે, કહેવાય ના જગમાં તો કોણ કોનું છે
પડે ના ફરક તો કોઈમાં, સહુ પોતપોતાના જગનાં તો, થાતાં આવ્યા છે
લાગે આજે કે બન્યા પોતાના ક્યાંને ક્યાં દૂર, હટી એ તો જવાના છે
આવ્યા ના સાથે, જવાના ના સાથે, સાથે કોણ કેટલું તો રહેવાના છે
છે અનુભવો ને વિચારો સહુના જુદા, કોણ કોના કેટલા બનવાના છે
કર્મે કર્મે રહ્યા છે સહુ જુદા, જુદા જુદા કર્મો તો સહુ કરતા રહ્યાં છે
છે સહનશીલતા સહુની જુદી, જુદીને જુદી સહુ એમાં તો પડવાના છે
દેખાય છે દૃષ્ટિમાં તો બીજાને બીજા, ના દૃષ્ટિમાં ખુદને જોઈ શકવાના છે
હૈયે ઊઠે, સ્પંદનો તો સહુના, કોણ તો સ્પંદનો અન્યના ઝીલવાના છે
અંશે અંશ છે સહુ પ્રભુના કર્મને ભાગ્યે, જુદા સહુ પડતા રહેવાના છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)