છે જીવનમાં તો સંગીત વહેતું ને વહેતું, રાખજે એનાથી તું એને, ભર્યું ભર્યું
જોજે ઊઠે ના સૂરો એમાં તો એવા, બનાવી દે જીવનને તો બેસૂરું
છે એ તો સપ્ત સૂરોથી બનેલું, રાખજે જીવનને એનાથી તો ભરેલું
સારા કામોના સા-થી કરજે, જીવનમાં સંગીત, એવા સા-થી શરૂ
રીતો અપનાવી જીવનમાં તો સાચી, રાખજે એવા રી-થી જીવનને ભરેલું
ગર્વ કરજે, છે તું શક્તિનું સંતાન, એવા ગ-થી રાખજે જીવનને ગૂંજતું
મહત્ત્વ દેજે તું જીવનમાં, પ્રભુમય જીવનને, એવા મ-ને જીવનમાં કદી ના ભૂલવું
પણ તો આશરો લેજે ના તું જીવનમાં, એવા પ-થી જીવનમાં તો દૂર રહેવું
ધનની પડે ભલે જરૂર જીવનમાં, એવા ધ ને હૈયે ના બાંધતા તો રહેવું
નીસરણી ભક્તિની લેજે જીવનમાં પકડી, એની પર જીવનમાં ચડતા રહેવું
આ સપ્ત સૂરોને વણજે તું જીવનમાં, બનશે જીવન તારું તો સૂરભર્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)