રહે પાસ કે રહે પ્રભુ ભલે તું તો દૂર, તારા પ્રેમથી ભરી દેજે હૈયું મારું જરૂર
વસી અંતરમાં તો મારા, જ્યાં વસ્યો છે તું, મારે જીવનમાં તો બીજું જોઈએ છે શું
ના સમજ બની જીવનમાં તો કરતો રહું, દુઃખ દર્દને જીવનમાં તો સદા નોતરતો રહું
મળી જાય જીવનમાં, સમજ થોડી પ્રભુ જો તારી, મારે જીવનમાં તો બીજું જોઈએ છે શું
જગ વ્યવહારના મળ્યા જીવનમાં ચાબખાં, મળ્યાં જીવનમાં સદા ડંખ તો એના
મળી જાય જીવનમાં જો તારા પ્રેમનું બિંદુ, મારે જીવનમાં તો બીજું જોઈએ છે શું
દૃષ્ટિએ દૃષ્ટિએ ભેદ તો ટકરાતા, મારા તારાના ઉપાડા હૈયે ઉત્પાત મચાવતા
મળી જાય દૃષ્ટિમાં જો સમદૃષ્ટિ તારી, મારે જીવનમાં તો બીજું જોઈએ છે શું
અનંત ઉપકારી છે પ્રભુ તું તો જગમાં, થઈ છે ધારા મુજમાં એની તો શરૂ
બની શકું જો પાત્ર એને ઝીલવા રે પ્રભુ, મારે જીવનમાં તો બીજું જોઈએ છે શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)