Hymn No. 4118 | Date: 16-Aug-1992
|
|
Text Size |
 |
 |
કરવી છે શું, કરવી છે શું, પ્રભુસ્મરણને જો વીસરાવી દે, એવી ફુરસદને મારે કરવી છે શું યાદો તો જીવનમાં આવે ઘણી, ભુલાવે યાદ જો એ મારા પ્રભુની, એવી યાદને મારે કરવી છે શું મેળવું જગમાં ભલે બધું, અણસાર પ્રભુનો એમાં જો વીસરું, એવું મેળવીને મારે કરવું છે શું હટે ના ચિત્ત જો માયામાંથી, ચોટે ના જો એ તો પ્રભુમાં, એવા ચિત્તને મારે કરવું છે શું ધરું ધ્યાન, ધ્યાનમાં જો માયા નાચે, ધ્યાનમાં પ્રભુ જો ના આવે, એવા ધ્યાનને મારે કરવું છે શું પ્રેમ વિના તો જીવન અધૂરું, પ્રભુપ્રેમમાં હૈયું જો ના ભીંજાયું, એવા પ્રેમને મારે કરવું છે શું વિશ્વાસે જીવન મારું તો બદલાયુ સંજોગે વિશ્વાસ હટાવ્યું, એવા ડગમગતા વિશ્વાસને મારે કરવું છે શું કૃપા તો મળતી રહે જીવનમાં, મળે ઉત્તેજન આળસને જો એમાં, એવી કૃપાને તો મારે કરવી છે શું સફળતાઓ હૈયે જો અહં ઊભરાવે, પ્રભુ એમાં જો હડસેલાએ, એવી સફળતાને તો મારે કરવી છે શું નજરે નજરે પ્રભુ તો જો ના નીરખાયા, નાચ બીજા જો દેખાયા, એવી દૃષ્ટિને તો મારે કરવી છે શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|