થાવા દેજે રે મને, થાવા દેજે, પ્રભુમાં એકચિત્ત મને થાવા દેજે
ફરવું ઓછું કરી દે તું, સાથ દેજે મને રે તું, કરજે અમલ એનો તો તું
મનડાં રહ્યાં આપણા સાથે ને સાથે, પહોંચવું પ્રભુમાં તો સાથેને સાથે
નથી રાહ એ કાંઈ જાણીતી, એની રાહે રાહે મને તું ચાલવા દેજે
ફરતોને ફરતો રહ્યો છે તું, રહી ના શક્યો સંતોષી એમાં તો તું
હવે ફર્યા વિના તારું વળશે શું, એકવાર પ્રભુને મળી જોને તું
રહ્યો છે જ્યાં તું સાથેને સાથે, સાથ દેવામાં શાને અચકાય છે તું
પ્રેમથી રાખ્યો છે તને સાથે, વિક્ષેપ ઊભો શાને કરતો જાય છે તું
ભવોભવથી તો થાક્યો છું હું, ફરતા ને ફરતા જીવનમાં ના થાક્યો તો તું
કર વિચાર હવે તો જરા તો તું, ચલાવવું છે આવું બધું તારે તો કેટલું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)