ડૂબી રહ્યો છું મઝધારમાં, હવે આવીને બચાવ
સંભાળીને સુકાન, મારી નાવડીને કિનારે લગાવ
પંથ ભૂલેલા આ બાળને, હવે પંથે તું ચડાવ
સૂણીને અરજ આ બાળની, માડી વહારે તું આવ
ભટક્યો, ભૂલીને ખૂબ આ સંસારમાં, તુજને માત
તુજ વિણ આરો નથી આ જગમાં, હવે સમજ્યો આ વાત
મોડું નથી થયું જ્યાં, આવ્યો છે આ શુભ વિચાર
જાગ્યા ત્યાંથી ગણવી, થઈ છે હવે સવાર
કર્યાં કર્મો કંઈક એવાં, જેથી આવ્યો જગમાં વારંવાર
દઈને સદ્દબુદ્ધિ આ બાબતે, હવે તો સુધાર
શરણે આવ્યો છું માડી, મારી નાવડી સંભાળ
ડૂબી રહ્યો છું મઝધારમાં, હવે આવીને બચાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)