મોત કહીને તો આવવાનું નથી, સમય એ તો ચૂકવાનું નથી
પડશે રહેવું તૈયાર જીવનમાં તો સદા, જીવનમાં આ તો ભૂલવાનું નથી
છે તારું તનડું તો ભાડાનું ઘર તો જગમાં, ખાલી કર્યા વિના રહેવાનું નથી
છે સત્ય જગનું તો આ, ના બદલાયું કદી કદી, એ તો બદલાતું નથી
સ્વીકારો હસીને કે સ્વીકારો રડીને, બદલી એમાં તો કાંઈ થવાની નથી
ગુમાવીશ સમય ખોટો જીવનમાં, મોત સમય તો વધુ દેવાનું નથી
આવશે કઈ દિશામાંથી, ક્યારે કેવી રીતે, અણસાર એનો આવવાનો નથી
રીત છે એની એવી અનોખી, રીત એની તો જલદી સમજાવાની નથી
રાખ્યા ના ભેદ એણે તો કોઈના, ભેદ કોઈના એ તો રાખવાનું નથી
જનમ આપ્યા જે જે જગમાં, શિકાર એનું બન્યા વિના રહેવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)