દીધી બુદ્ધિ જીવનમાં તેં તો મને રે પ્રભુ, જીવનમાં ના તને એ તો શોધી શકી
દીધા હૈયાંમાં મારા તો તેં ભાવો ભરી, ધારા ના એની તુજમાં, હું શક્યો વહાવી
દીધી દૃષ્ટિ જોવા તેં તો મને રે પ્રભુ, ના જોઈ શક્યો તને, નજર મારી રહી ઠગાણી
દીધું ચિત્તડું તેં તો મને રે પ્રભુ, ના દઈ શક્યો તુજમાં એને તો જોડી
દીધું સુંદર મનડું જીવનમાં તેં તો રે પ્રભુ, રહ્યું એ તો ફરતું, રહ્યું ના ફરવું એ તો ભૂલી
દીધું સુંદર તનડું જીવનમાં તેં તો મને રે પ્રભુ, રહ્યો લાલનપાલનમાં હું તો ખૂંપી
દીધી જીભડી જીવનમાં તેં તો એવી, રહે ના ચૂપ, સંસારની વાતો કરતો ને કરતો રહું
દીધા સુંદર કાન જીવનમાં તેં તો પ્રભુ, સાંભળવા જેવું ઓછું સાંભળુ, સાંભળુ બીજું ઘણું
દીધું મગજ કરવા વિચાર તેં તો મને રે પ્રભુ, તારા વિચાર કર્યા થોડા, બીજા તો કરતો ફરું
દીધા હાથ પગ કરવા તો કાર્મો, કર્યા કેવા મેં તો જીવનમાં, ના એ હું તો જાણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)