જીવનમાં, જીવનની પોલી વાંસળી વાગે ઘણી, રે વાગે ઘણી
ઊઠે સૂર જ્યાં તાલબદ્ધ ને મીઠાં, બની જાશે એ તો સૂરાવલિ
જીવનમાં જીવનના પોલા ઢોલ ગાજે ઘણા, ઘોંઘાટની છે નિશાની
વાગે જ્યાં એ તાલબદ્ધ ને તાલબદ્ધ, ગુલતાન એમાં દે બનાવી
ખોખલા જીવનના સૂરો નીકળે બોદા, નથી જીવનની હકીકત આ અજાણી
માંદલા સૂરો સંભળાય ના ખુદને, નથી અન્યને એ સંભળાવાના
ઊંચા ઊંચા સૂરો જે ગજવે ઝાઝા, હોય કોઈને કોઈ દાનત એમાં છુપાયેલી
બોલ્યો ઢોલ જ્યાં જેટલો મોટો, હોય પોલ એમાં એટલી મોટીને મોટી
જીવનના સૂરો કાઢજે ધીમા ને મીઠાં, માણી શકીશ સંગીતની લહાણી
જીવનમાં ઢોલને વાંસળી છે હાથમાં તારા, કાઢજે સૂરો તો સમજી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)