થઈ શરૂ પ્રવેશતાં જગમાં, મુક્તિની યાત્રા તો મારી, બંધનોને બંધનોથી બંધાતો રહ્યો
પહોંચવું હતું ક્યાં મારે, ક્યાં જઈ પહોંચ્યો, કરવું હતું શું જીવનમાં, શું કરી બેઠો
ખટખટાવ્યા હતા દ્વાર તો મુક્તિના, માયાના દ્વારમાં પ્રવેશ કરી હું તો બેઠો
આરામથી કરતો રહ્યો બધું જીવનમાં, જીવનમાં સમય અમૂલ્ય વીતતો રહ્યો
પ્રેમમાં ને પ્રેમમાં વિતાવવું હતું જીવન, ક્રોધ ને વેરમાં, જીવનમાં હું ડૂબતો રહ્યો
બચવું હતું જીવનમાં મુસીબતોના વમળમાંથી, પગ વમળોમાં તો હું પાડતો રહ્યો
લેવું અને રાખવું હતું મનને કાબૂમાં, મનના કાબૂમાં હું તો આવતો ને આવતો ગયો
છૂટવું હતું માયામય જગમાં તો જીવનમાં, માયાને હૈયેથી અપનાવતો ને અપનાવતો રહ્યો
શોધ્યા સાથ ખોટા, સાથીદારો ખોટા જીવનમાં તો, પસ્તાતોને પસ્તાતો તો રહ્યો
વધવું હતું મુક્તિમાં તો આગળ, પાછળને પાછળ એમાં હું તો રહી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)