એકવાર પ્રભુ તને હું તો સતાવવાનો છું, રહેજે તૈયાર એને માટે તો તું ને તું
ડરીને છુપાઈ ના જાતો તું તો જીવનમાં મારાથી, જાતો ના છુપાઈ તો તું ને તું
કરી દઈશ તારી તો જોવા જેવી, મળે કે મેળવીશ તારી નજર એકવાર તો તું
રહ્યો છે છટકતો જનમોજનમથી, છટકવા નહીં દઉં આ જનમમાં તને તો હું
જોવા નથી કોઈ જોષ તો મારે, મળવું તને તો ક્યારે, કરશું નક્કી એ તો તું ને હું
છે તૈયારી મારી તો પૂરી, છે તૈયારી તારી તો કેટલી, કહી દેજે એકવાર એ તો તું
ચાલશે ના હવે કોઈ વાયદા તારા, કાઢતો ના કોઈ બહાના, ચલાવીશ ના એ તો હું
ગણે તો ગણજે એને યુદ્ધ મારું, છે આહવાહન મારું, કહી દઉં તને એ તો હું
તું વધે કે ના વધે, તું આવે કે ના આવે, વધવાનો છું આગળ એમાં તો હું
એક જ વાતે થાશે સમાધાન, તારો ને મારો મેળાપ કરાવીશ જ્યારે તો તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)