ખોટા વિચારોથી કરતો ના મસ્તક ભારી, સત્યને ના એ નમી શકે
અહં ને અભિમાનમાં ડૂબતો ના એટલો, કે સત્યની અવગણના કરી શકે
કરતો ના મસ્તકને એટલું ભારી, કે જીવનમાં પ્રેમથી ના એ કોઈને ઝૂકી શકે
કરતો ના કર્મથી હાથ અક્કડ એવા તો તારા, આવકારવા અન્યને, આગળ ના વધી શકે
હૈયાંને બાંધી ના રાખજે એવું કે જીવનમાં, પ્રશંસા અન્યની સારી ના કરી શકે
દુઃખ દર્દને જીવનમાં દેતો ના મહત્ત્વ એટલું, કે પ્રગતિ તારી એ રોકી શકે
બુદ્ધિને ખોટી બાંધી દેતો ના જીવનમાં તું એવી, કે નિર્ણય સાચા ના લઈ શકે
ડૂબતો ના જીવનમાં નિરાશામાં તું એટલો, કે જીવનમાં તારી હિંમત તો તૂટી શકે
રાખતો ના ખોટી આશા કોઈની જીવનમાં એટલી, કે જીવનમાં આશા તારી તૂટી શકે
ચડવા ના દેતો તારી ઉપર માયાના પડળ એટલા, કે જીવનમાં તું સાચું ના જોઈ શકે
બંધાતો ને બંધાતો રહેતો ના બંધનોથી તું એટલો, કે મુક્તિ તારી એ રોકી શકે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)